Episode - 5 મારી નજરે અમદાવાદ....દાદા હરીર વાવ

અમદાવાદ અને તેના આજુબાજુના વિસ્તારોમાં પાણી તાણ હંમેશા વર્તાતી રહી છે. આથી જ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના પ્રશ્નો નિવારવા માટે લોકો કુવા અને વાવનું નિર્માણ કરાવતા.

આજે આપણે એવી જ એક વાવ ની વાત કરીશું જેનું નામ છે દાઈ હરીરની વાવ. હા, દાઈ હરીરની વાવ જેને આપણે આજે દાદા હરિ વાવ તરીકે ઓળખીએ છીએ.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી દાઈ હરીરની વાવ મોહમ્મદ શાહ ના સમયમાં "બાઇ હરિર સુલતાની " એ બંધાવી હતી. હરિર સુલતાની એ મોહમ્મદ શાહ ના દરબારમાં એક શક્તિશાળી અને ચતુર નિરીક્ષક હતા તેઓએ ખુદ આ વાવનું બાંધકામ કરાવ્યું હતું.

એ સમયમાં ૩, ૨૯,૦૦૦ મોહમ્મદી (એ વખતનું ચલણ) એટલે કે ત્રણ લાખ રૂપિયા ના ખર્ચે બનાવાઈ હતી. હરિર સુલતાની એક પરિચારિકા હતા એટલે તેને “દાઈ” તરીકે પણ ઓળખાતા. ફોર્બ્સ સર્વે મુજબ દાદા હરીરની વાવ ને “નર્સ વેલ” પણ કહેવાય છે. 

વાવ ની પાસે આવેલી આરસની તકતી પર લખ્યું છે તે મુજબ તેનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯ માં પૂરું થયું હતું. રેત પથ્થરથી બનેલી વાવની બાંધણી સોલંકી વંશના સ્થાપત્ય ને મળતી આવે છે. 

બહારથી સાવ સાદી દેખાતી વાવ જ્યારે તમે અંદર ઊતરો ત્યારે ખબર પડે કે કેટલી અદ્ભુત છે. 

પાંચ માળ ઊંડી આ વાવ નીચેથી ઉપર જોતા ખબર પડે કે તે અનન્ય અષ્ટકોણીય આકાર ધરાવે છે. દરેક માળ ઉપર વિશાળ જગ્યા આપવામાં આવેલી છે તેથી લોકો ત્યાં ભેગા થઈ શકે. 

 દાદા હરિ વાવ : અષ્ટકોણીય આકાર


ઉપરથી નીચે ઉતરવા માટે સળંગ પગથિયાં બનાવવામાં આવ્યા છે. પહેલા થી છેલ્લા માળ સુધી ના પગથીયા વાવ નું અદકેરું આર્કષણ છે.

તળિયા પર ૧૯૦ ફુટ લાંબી અને ૫૦ ફૂટ પહોળી છે આ વાવ. ઇસ્લામિક સ્થાપત્યના ફુલો અને કોતરણી કામ હિન્દુ અને જૈન પ્રતિક સાથે ખૂબ જ સારી રીતે ભળી જાય છે. ઉપરના માળ માં આવેલી હાથી ની કોતરણી ખૂબ જ પ્રભાવી છે. 

વાવનું બાંધકામ મુસ્લિમ સ્ત્રીના નિર્દેશન હેઠળ અને કોતરણી કામ હિન્દુ કલાકારો દ્વારા કરવામાં આવી હોવાથી આ વાવ હિંદુ-મુસ્લિમ બંને ની સ્થાપત્યકલા નો મિશ્ર નમૂનો છે.

ઉનાળામાં વાવની અંદરનું તાપમાન બહારના ગરમ તાપમાન કરતાં પાંચ અંશ ઓછું હોવાનું ગણાય છે. આને કારણે દૂરથી પાણી ભરવા માટે આવતી સ્ત્રીઓ અહીંના ઠંડા વાતાવરણમાં વધુ સમય પસાર કરતી. તેઓ દેવી-દેવતાઓની પૂજા અને વાતચીતમાં પણ સમય પસાર કરતાં. 

આ જમીન નીચે રહેલા બાંધકામનું સ્થાપત્ય મહેલ જેવી કોતરણી ધરાવતું હોવાથી, તે મહેલ જેવું લાગે છે.

 

એક વાર મુલાકાત લેવા જેવી ખરી હો..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Episode - 4 મારી નજરે અમદાવાદ...કાંકરિયા તળાવ